મજબૂત ડોલર, ઊંચા બોન્ડ યીલ્ડ છતાં રોકાણકારોને સોનામાં તેજીની આશા કેમ?
ડોલર અને વ્યાજદરોનું દબાણ હોવા છતાં કેન્દ્રીય બેન્કોની ખરીદારીના ટેકે સોનામાં ભારે ઉતાર-ચઢાવ ચાલુ છે, જાણો સોનામાં આગળ તેજી આવશે કે ઘટાડો થશે?

સોનાની કિંમતોમાં ભારે ઉતાર-ચઢાવ ચાલુ છે. અમેરિકન ડોલરની મજબૂતી અને અમેરિકામાં વ્યાજદર વધવાની સંભાવનાથી સોના પર દબાણ વધી રહ્યું છે. બીજી તરફ સેન્ટ્રલ બેન્કોની ખરીદી અને પશ્ચિમ એશિયામાં તણાવ સોનાના ભાવને ટેકો આપી રહ્યા છે. એવામાં નિષ્ણાતોનું માનવું છે કે ટૂંકી મુદતમાં સોનામાં દબાણ ચાલુ રહી શકે છે, પરંતુ મધ્યમથી લાંબાગાળામાં આ અંગે આશા જળવાઈ રહી છે. 25 સપ્ટેમ્બરે Comex પર સોનું પ્રતિ ઔંસ 4,300 ડોલરની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું હતું. બીજીબાજુ ઘરેલુ બજાર MCXમાં સોાનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ અંદાજે રૂ. 1,51 લાખની આજુબાજુ હતો.
મજબૂત ડોલર અને અમેરિકન બોન્ડ યીલ્ડ વધવાથી સોના પર દબાણ વધેલું છે. આ દબાણ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રતિ ઔંસ 4,300 ડોલરથી ગગડીને પ્રતિ ઔંસ 4,288 ડોલર સુધી આવી ગયું હતું. ભારતમાં પણ MCX પર સોનાનો ભાવ તૂટીને પ્રતિ 10 ગ્રામ અંદાજે રૂ. 1,50,900ના સ્તરે પહોંચી ગયો હતો. ડોલર ઈન્ડેક્સ 101ની આજુબાજુ પહોંચી ગયો છે. અમેરિકામાં 10 વર્ષના સરકારી બોન્ડનું યીલ્ડ અંદાજે 5.11 ટકા પર છે. અમેરિકામાંથી સારા આંકડા આવ્યા પછી બજારમાં ફેડ ઓક્ટોબરમાં ફરી એક વખત વ્યાજદર વધારી શકે છે તેવી આશા વધી છે. તેની સંભાવના એક દિવસમાં 55 ટકાથી વધીને 70 ટકા થઈ ગઈ છે. વ્યાજદરો વધવાની આશા સોના માટે સારા સમાચાર માનવામાં આવતા નથી, કારણ કે આવા સમયમાં રોકાણકારોને બોન્ડ જેવા વિકલ્પો પર વધુ વ્યાજ મળવા લાગે છે.
4,300 ડોલર સોના માટે મહત્વનુંસ્તર, તેની નીચે 4,250 ડોલર
ટૂંકા સમયમાં સોના માટે પરિસ્થિતિઓ પડકારરૂપ છે. ડોલર ઈન્ડેક્સ 100ની ઉપર રહે અને વ્યાજદર વધવાની સંભાવના મજબૂત રહેશે તો સોના પર દબાણ ચાલુ રહી શકે છે. 4,300 ડોલર સોના માટે મહત્વનુંસ્તર છે. તેની નીચે ભાવ ટકતા સોનું 4,250 ડોલર તરફ જઈ શકે છે. સોનામાં ટૂંકી મુદતમાં ઘટાડાનું જોખમ જોવા મળી રહ્યું છે. અમેરિકાથી આવતા આર્થિક આંકડા મજબૂત રહેશે તો સોનું 4,200 ડોલરનાસ્તર તરફ જઈ શકે છે. બીજીબાજુ અમેરિકામાં રોજગાર બજારમાં નરમાઈના સંકેત અથવા પશ્ચિમ એશિયામાં તણાવ વધતા સોનામાં ખરીદી પાછી ફરી શકે છે.
વ્યાજદરોના દબાણ વચ્ચે ભૂ-રાજકીય તણાવ સોનાને ટેકો આપી શકે છે. ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હોર્મુઝની ખાડી અંગે ચેતવણી આપી છે. તેનાથી પશ્ચિમ એશિયામાં તણાવનું જોખમ વધ્યું છે. આવી સ્થિતિમાં રોકાણકારો મોટાભાગે સોના જેવા સુરક્ષિત મનાતા રોકાણની પસંદગી કરે છે. તેથી હાલ સોના પર એક તરફ ઊંચા વ્યાજદરનું દબાણ છે તો બીજી તરફ ભૂ-રાજકીય જોખમ કિંમતોને ટેકો આપી રહ્યા છે.
મોંઘવારીના વાતાવરણમાં બોન્ડની સુરક્ષિત રોકાણ તરીકેની ભૂમિકા નબળી થઈ
મોનાર્ક પીએમસીના રિપોર્ટમાં સોનામાં લાંબી મુદતની તસવીરનું અન્ય એક પાસું જોવા મળી રહ્યું છે. રિપોર્ટ મુજબ અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદર વધારવામાં આવતા અને રિયલ યીલ્ડમાં તિવ્ર વધારા છતાં સોનાએ મજબૂતી બતાવી છે. 6 ઓગસ્ટે સોનું અંદાજે પ્રિત ઔંસ 4,242 ડોલર હતું, જે 18 સપ્ટેમ્બર સુધીમાં વધીને પ્રતિ ઔંસ 4,385 ડોલરે પહોંચી ગયું હતું.આ સમયમાં અમેરિકામાં 10 વર્ષનું TIPS રિયલ યીલ્ડ વધીને 2.65 ટકા થઈ ગયું હતું. સામાન્ય રીતે રિયલ યીલ્ડ વધતા સોના પર દબાણ આવે છે. પરંતુ આ વખતે એવું થયું નથી. વર્તમાન મોંઘવારીવાળા વાતાવરણમાં બોન્ડની સુરક્ષિત રોકાણ તરીકેની ભૂમિકા નબળી થઈ ગઈ છે અને સોનું આ સ્થિતિમાં વધુ મહત્વની ભૂમિકામાં છે.
સોનાને સેન્ટ્રલ બેન્કોની ખરીદીનો ટેકો
સોનાને વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની ખરીદીનો પણ ટેકો મળી રહ્યો છે. જુલાઈમાં દુનિયાભરની સેન્ટ્રલ બેન્કોએ નેટ 23 ટન સોનું ખરીદ્યું હતું. એકલા ચીને જ ઓગસ્ટમાં 20.2 ટન સોનું ખરીદ્યું, જે ઓક્ટોબર 2023 પછી તેની સૌથી મોટી માસિક ખરીદી હતી. ચીનનું સોનાનું હોલ્ડિંગ સતત 22 મહિનાથી વધ્યું છે અને 2026ના પહેલા આઠ મહિનામાં તેણે અંદાજે 80 ટકન સોનું ઉમેર્યું છે. આ ખરીદી સોના માટે લાંબા સમયમાં મહત્વનો સપોર્ટ છે.
સોનાના ઊંચા ભાવના કારણે જ્વેલરી ખરીદનારા લોકો હળવા ઘરેણાં તરફ વળી રહ્યા છે. બીજીબાજુ રોકાણ માટે ગોલ્ડ ETF, ડિજિટલ ગોલ્ડ અને સોનાના સિક્કા જેવા વિકલ્પો તરફ વલણ વધી રહ્યું છે. ટૂંકી મુદતમાં ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે,પરંતુ મધ્યમથી લાંબાગાળે સોના અંગે તેજીની આશા જળવાઈ રહી છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
- બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
- ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત બે સપ્તાહથી ઘટાડો, $14.89 અબજ ઘટીને $765.9 અબજ પર પહોંચ્યો
- સરકાર 6 મહિનામાં ₹7.86 લાખ કરોડનું ધિરાણ લેશે, FY27માં ₹16 લાખ કરોડનું ધિરાણ લેશે, બજેટ અંદાજ કરતાં ઓછું

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
