વિમાનમાં મુસાફરી કરવી પડી મોંઘી: ટિકિટ પર ₹1,200 સુધી ફ્યુઅલ સરચાર્જ, પ્રવાસીઓની સંખ્યા ઘટી!
ભારતમાં હવાઈ મુસાફરી મોંઘી બનતાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. નવેમ્બર 2026માં વિમાનના ઇંધણના ભાવ વાર્ષિક ધોરણે 46.5 ટકા વધ્યો છે. એરલાઇન કંપનીઓએ સ્થાનિક ટિકિટ પર 375થી 1,200 રૂપિયા સુધી ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો છે.

Air Ticket Price India: વિમાનમાં મુસાફરી કરવાનું આયોજન કરતા લોકો માટે ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. દેશમાં હવાઈ ટિકિટના વધતા ભાવને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટવા લાગી છે. વિમાનના ઇંધણમાં ભારે મોંઘવારી, ડોલર સામે રૂપિયાની નબળાઈ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષે એરલાઇન કંપનીઓની મુશ્કેલીઓ વધારી છે. કંપનીઓ વધારાનો ખર્ચ મુસાફરો પાસેથી વસૂલવા ફ્યુઅલ સરચાર્જ લગાવી રહી છે. જોકે મોંઘી ટિકિટને કારણે મુસાફરીની માંગ પર પણ અસર પડી રહી છે.
ટિકિટ પર ₹375થી ₹1,200 સુધીનો વધારાનો ચાર્જ
વિમાનમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવ નવેમ્બર 2026માં ગયા વર્ષના સમાન સમયની સરખામણીએ 46.5 ટકા વધ્યા છે. ઇંધણ મોંઘું થતાં એરલાઇન કંપનીઓનો સંચાલન ખર્ચ વધી ગયો છે. આ ખર્ચને પહોંચી વળવા કંપનીઓએ સ્થાનિક રૂટ પર અંતર અને રૂટ પ્રમાણે 375થી 1,200 રૂપિયા સુધીનો ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં આ ચાર્જ વધારે હોઈ શકે છે.
ઓક્ટોબરમાં 7.4 લાખ હવાઈ મુસાફરો ઘટ્યા
ICRAના રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર 2026માં દેશમાં 132.9 લાખ લોકોએ સ્થાનિક વિમાન મુસાફરી કરી હતી. ઓક્ટોબર 2025માં આ સંખ્યા 140.3 લાખ હતી. આમ, એક વર્ષમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં 7.4 લાખ એટલે કે 5.2 ટકાનો ઘટાડો થયો છે. જોકે સપ્ટેમ્બર 2026ની સરખામણીએ ઓક્ટોબરમાં તહેવારોની મુસાફરીને કારણે 12.5 ટકાનો વધારો નોંધાયો હતો. એપ્રિલથી ઓક્ટોબર 2026ના સાત મહિનામાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 919.1 લાખ રહી હતી, જે અગાઉના વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 2.4 ટકા ઓછી છે.
પશ્ચિમ એશિયાના સંઘર્ષથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ફટકો
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે કેટલાક દેશોના હવાઈ માર્ગો પર નિયંત્રણો લાગ્યાં છે. પરિણામે એરલાઇન કંપનીઓને ફ્લાઇટ્સના રૂટ બદલવા અથવા સંચાલનમાં ઘટાડો કરવાની ફરજ પડી રહી છે. એપ્રિલથી ઓક્ટોબર 2026 દરમિયાન ભારતીય એરલાઇન કંપનીઓના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં 18.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. માત્ર ઓક્ટોબરમાં જ આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા 29.9 લાખથી ઘટીને 26.1 લાખ થઈ હતી. લાંબા રૂટ અને વધતા ઇંધણ ખર્ચને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી પણ મોંઘી બની છે.
એરલાઇન કંપનીઓને ₹42,000 કરોડ સુધીની ખોટ?
રેટિંગ એજન્સી ICRAએ ભારતીય એવિએશન ઉદ્યોગ માટે નાણાકીય વર્ષ 2026-27નો અંદાજ ઘટાડ્યો છે. અગાઉ સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યામાં 3થી 6 ટકા વૃદ્ધિની આશા હતી. હવે તેમાં 1થી 3 ટકાનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા પણ 10થી 13 ટકા ઘટી શકે છે.
મુસાફરોને ટિકિટના ભાવમાં રાહત મળશે?
એરલાઇન કંપનીઓ માટે સૌથી મોટો પડકાર વધતા ખર્ચ અને ઘટતી માંગ વચ્ચે સંતુલન જાળવવાનો છે. કંપનીઓ સમગ્ર વધારાનો ખર્ચ ટિકિટમાં ઉમેરી શકતી નથી, કારણ કે તેનાથી મુસાફરોની સંખ્યા વધુ ઘટી શકે છે. આગામી દિવસોમાં ટિકિટના ભાવ આંતરરાષ્ટ્રીય ઇંધણના ભાવ, રૂપિયાની સ્થિતિ અને પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર નિર્ભર રહેશે. ઇંધણ સસ્તું થાય અને હવાઈ માર્ગોની સ્થિતિ સામાન્ય બને તો મુસાફરોને રાહત મળવાની શક્યતા છે. જોકે ટિકિટના ભાવ તાત્કાલિક ઘટશે તેની કોઈ ખાતરી નથી.
આ પણ વાંચો: લગ્નની સિઝનમાં મોંઘવારીનો માર: રસોડાનું બજેટ બગડવાની આશંકા, સરકારના આર્થિક અહેવાલમાં ભાવવધારાના સંકેત
Also Read

Groww એપ વિવાદમાં કોર્ટનો ચુકાદો, ₹10 લાખ ઉપાડવા ગઈ ને પોર્ટફોલિયો ₹84 હજારે પહોંચ્યો, જાણો શું છે મામલો

લગ્નની સિઝનમાં મોંઘવારીનો માર: રસોડાનું બજેટ બગડવાની આશંકા, સરકારના આર્થિક અહેવાલમાં ભાવવધારાના સંકેત

ભારતમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સની સંખ્યામાં 14.3%નો વધારો, Q3 2026માં 80 સુવિધાઓનું આયોજન

WhatsApp યુઝર્સ માટે સરકારનું ઍલર્ટ, હેકર્સ ચોરી શકે છે તમારી ખાનગી માહિતી

Bank Holidays: ડિસેમ્બરમાં ક્યારે અને ક્યાં બંધ રહેશે બેન્કો? જાણો સંપૂર્ણ લિસ્ટ

Box Office પર ‘રામાયણ’નો મહાપડાવ! 23 દિવસમાં ભારતમાં ₹1,000 કરોડ નેટ કમાણી પાર

હવે બંગાળમાં Bisleriના પાણીના નમૂનામાં બેક્ટેરિયા મળ્યા




