બજેટ 2027-28 પહેલાં આરોગ્ય ક્ષેત્ર પર કેન્દ્ર સરકારનું મંથન!નાણામંત્રીએ યોજી 10મી બેઠક,હેલ્થ સેક્ટર માટે શું થશે ખાસ?
કેન્દ્રીય બજેટ 2027-28ની તૈયારીઓ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે આરોગ્ય અને સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો સાથે 10મી પ્રી-બજેટ પરામર્શ બેઠક યોજી હતી. દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય ક્ષેત્રની જરૂરિયાતો અને આગામી બજેટની પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Union Budget 2027-28: આગામી બજેટ 2027-28ની તૈયારીઓ વચ્ચે કેન્દ્ર સરકારે વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવાની પ્રક્રિયા આગળ વધારી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવાર (23 નવેમ્બર) દિલ્હીમાં આરોગ્ય અને સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો તથા હિતધારકો સાથે 10મી પ્રી-બજેટ પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં આગામી નાણાકીય વર્ષ માટે આરોગ્ય અને સામાજિક ક્ષેત્રની જરૂરિયાતો અંગે સૂચનો મેળવવામાં આવ્યા હતા.
આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો સાથે મહત્વપૂર્ણ ચર્ચા
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય અને સામાજિક ક્ષેત્રના નિષ્ણાતો તથા સંબંધિત હિતધારકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત આર્થિક બાબતોના વિભાગ અને આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ તેમજ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર પણ બેઠકમાં સામેલ થયા હતા. આ પરામર્શનો હેતુ આગામી બજેટની પ્રાથમિકતાઓ નક્કી કરતાં પહેલાં સંબંધિત ક્ષેત્રોની જરૂરિયાતો અને સૂચનો સમજવાનો છે.
અગાઉના બજેટમાં આરોગ્ય ક્ષેત્રને કેટલી રકમ મળી હતી?
કેન્દ્રીય બજેટ 2026-27માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય માટે કુલ 1,06,530.42 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. આ રકમ અગાઉના વર્ષના સુધારેલા અંદાજની સરખામણીએ લગભગ 10 ટકા વધુ હતી. આરોગ્ય ક્ષેત્રની મહત્વપૂર્ણ યોજનાઓ માટે પણ નોંધપાત્ર નાણાં ફાળવવામાં આવ્યાં હતાં.
હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 67.66% વધુ ફાળવણી
અગાઉના બજેટમાં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM)ની ફાળવણી 67.66 ટકા વધારીને 4,770 કરોડ રૂપિયા કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ AIIMS અને મેડિકલ કોલેજોના વિકાસ તથા અપગ્રેડેશન માટે નાણાકીય સહાયની જોગવાઈ કરવામાં આવી હતી. આરોગ્ય ઉપરાંત ગ્રામીણ રોજગાર, આવાસ અને સામાજિક કલ્યાણ સંબંધિત યોજનાઓ માટે પણ અગાઉના બજેટમાં નાણાં ફાળવવામાં આવ્યાં હતાં.
અત્યાર સુધીમાં કયા ક્ષેત્રો સાથે ચર્ચા થઈ?
આગામી બજેટ માટે પરામર્શ પ્રક્રિયાની શરૂઆત દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ કૃષિ, મેન્યુફેક્ચરિંગ, MSME અને સ્ટાર્ટઅપ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત મૂડીબજાર, બેન્કિંગ, નાણાકીય સેવાઓ, વીમા, માહિતી ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રોને પણ પરામર્શમાં આવરી લેવામાં આવ્યા હતા.નવમી બેઠકમાં આવાસ, શહેરીકરણ અને સંસ્કૃતિ ક્ષેત્રના પ્રતિનિધિઓ પાસેથી સૂચનો મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ 10મી બેઠકમાં આરોગ્ય અને સામાજિક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
બજેટ 2027-28માં આરોગ્ય ક્ષેત્ર માટે શું જાહેરાત થશે?
નાણામંત્રીની આ બેઠકથી આરોગ્ય અને સામાજિક ક્ષેત્રની જરૂરિયાતોને આગામી બજેટની તૈયારીમાં સ્થાન મળ્યું છે. જોકે,બેઠકમાં કઈ ચોક્કસ ભલામણો કરવામાં આવી હતી અથવા સરકારે કયા સૂચનો સ્વીકાર્યા છે તેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તેથી આગામી બજેટમાં આરોગ્ય યોજનાઓની ફાળવણી વધશે કે નવી યોજના જાહેર થશે તે અંગે હાલ કોઈ નિશ્ચિત તારણ કાઢી શકાય નહીં. આ બેઠક સાથે સરકારે વિવિધ ક્ષેત્રોના હિતધારકો સાથે પ્રી-બજેટ પરામર્શના 10 રાઉન્ડ પૂર્ણ કર્યા છે. હવે આ ચર્ચાઓમાંથી મળેલા સૂચનો આગામી બજેટની પ્રાથમિકતાઓ નક્કી કરવામાં ઉપયોગી બની શકે છે.
Also Read

કામની વાત: SBI ક્રેડિટ કાર્ડથી લઈને આધાર અને EMI સુધી, 1 ડિસેમ્બરથી બદલાઈ રહ્યા છે આ 5 મોટા નિયમો

નેપાળ માટે ભારતનું ₹24,000 કરોડનું પેકેજ: પીએમ મોદી-બાલેન શાહની બેઠકમાં મોટા નિર્ણયો, અયોધ્યા-જનકપુર ટ્રેન શરૂ

હવે દાવા વગર મળશે ESIC લાભ: જાણો બેંક ખાતામાં સીધા પૈસા મેળવવાની 3 શરતો

Suzuki Access 125 નવા અવતારમાં લોન્ચ, જાણો કિંમત અને વેરિઅન્ટ

બેંક ગ્રાહકો ખાસ વાંચે: આવતીકાલે 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ નિમિત્તે આ 21 શહેરોમાં બેંકો બંધ રહેશે

12 વર્ષમાં ભારતના 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા!, કેવી રીતે બદલાઈ દેશની સ્થિતિ?

કારના વેચાણમાં ઘટાડો, EVએ રચ્યો ઇતિહાસ! 5 લાખનો આંકડો પાર




