બાંગ્લાદેશને મોટો ઝટકો: Zara-H&Mના ₹2,300 કરોડથી વધુના ઓર્ડર અન્ય દેશોમાં શિફ્ટ, ભારતને સૌથી વધુ ફાયદો
બાંગ્લાદેશમાં શ્રમિકોના વિરોધપ્રદર્શન અને ઉત્પાદન ખોરવાતાં વૈશ્વિક ફેશન બ્રાન્ડ્સ પોતાના ગારમેન્ટ ઓર્ડર અન્ય દેશોમાં ખસેડી રહી છે. પહેલીથી 18મી નવેમ્બર દરમિયાન લગભગ 25.4 કરોડ ડોલરના ઓર્ડર અન્ય દેશોમાં શિફ્ટ થયા છે, જેમાં ભારતને સૌથી વધુ ફાયદો થયો છે.

Bangladesh Garment Industry: બાંગ્લાદેશના ગારમેન્ટ ઉદ્યોગમાં ચાલી રહેલી અશાંતિ ભારતના ટેક્સટાઇલ સેક્ટર માટે નવી તક બની રહી છે. શ્રમિકોના વિરોધપ્રદર્શન, વધતા ઉત્પાદન ખર્ચ અને વીજળીની અછતને કારણે વૈશ્વિક ફેશન બ્રાન્ડ્સ બાંગ્લાદેશમાંથી પોતાના ઓર્ડર અન્ય દેશોમાં ખસેડી રહી છે. Zara, H&M, Marks & Spencer અને Celio જેવી બ્રાન્ડ્સના ઓર્ડરનો મોટો હિસ્સો ભારત તરફ વળ્યો છે. જોકે આ પરિવર્તન કેટલા સમય સુધી રહેશે તે ઉત્પાદન ક્ષમતા અને સમયસર ડિલિવરી પર નિર્ભર રહેશે.
18 દિવસમાં 25.4 કરોડ ડોલરના ઓર્ડર ખસ્યા
બાંગ્લાદેશના ત્રણ ગારમેન્ટ ફેક્ટરીના અધિકારીઓના જણાવ્યાનુસાર, પહેલીથી 18મી નવેમ્બર 2026 દરમિયાન લગભગ 25.4 કરોડ ડોલરના ઓર્ડર અન્ય એશિયન દેશોમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઓર્ડરનો મોટાભાગનો હિસ્સો ભારતને મળ્યો હોવાનું જણાવાયું છે. નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં વૈશ્વિક બ્રાન્ડ્સે પોતાના માસિક ઓર્ડરના લગભગ 10 ટકા જેટલો હિસ્સો અન્ય દેશોને આપ્યો હતો.
બાંગ્લાદેશના ઉદ્યોગને મોટું નુકસાન
બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિયેશન (BGMEA)ના જણાવ્યા પ્રમાણે, શ્રમિકોના વિરોધપ્રદર્શનને કારણે ઉત્પાદન ક્ષેત્રે 40 કરોડ ડોલરથી વધુનું નુકસાન થયું છે. બાંગ્લાદેશની કુલ નિકાસ આવકમાં ગારમેન્ટ ઉદ્યોગનો હિસ્સો 80 ટકાથી વધુ છે. દેશના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં લગભગ 40 ટકા રોજગારી પણ આ ઉદ્યોગ પૂરી પાડે છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ઓર્ડર ગુમાવવાથી ઉત્પાદન, નિકાસ અને રોજગારી ત્રણેય પર અસર પડી શકે છે.
શ્રમિકોના પગારમાં 36% વધારો
બાંગ્લાદેશ સરકારે ગારમેન્ટ શ્રમિકોના લઘુત્તમ વેતનમાં 36 ટકા વધારો મંજૂર કર્યો છે. જોકે શ્રમિક સંગઠનોની માંગ તેનાથી ઘણી વધારે હતી. બીજી તરફ ફેક્ટરી માલિકોનું કહેવું છે કે વેતન, વીજળી અને કાચા માલનો ખર્ચ વધવાથી બાંગ્લાદેશની સસ્તા ઉત્પાદક તરીકેની ઓળખ નબળી પડી રહી છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે ઊર્જા પુરવઠામાં પણ મુશ્કેલીઓ વધી છે. કેટલીક ફેક્ટરીઓને મોંઘા વૈકલ્પિક વીજસ્રોતોનો ઉપયોગ કરવો પડે છે.
ભારત ઉપરાંત આ દેશોને પણ ફાયદો
બાંગ્લાદેશમાંથી ઓર્ડર ખસતાં ભારત સૌથી મોટો લાભાર્થી બન્યું છે. જોકે વિયેતનામ, કંબોડિયા અને ઇન્ડોનેશિયાને પણ નવા ઓર્ડર મળી રહ્યા છે. ઉદ્યોગના જાણકારોના જણાવ્યા પ્રમાણે, બાંગ્લાદેશમાં ઉત્પાદન અને ડિલિવરી માટે લગભગ 120 દિવસ લાગે છે. તેની સરખામણીએ અન્ય સ્પર્ધક દેશો 60થી 90 દિવસમાં કામગીરી પૂર્ણ કરી શકે છે. ભારત લગભગ એક સપ્તાહ અને વિયેતનામ તથા કંબોડિયા 15 દિવસ સુધીનો ડિલિવરી સમય બચાવી શકે છે.
ભારત માટે લાંબા ગાળાની તક?
બાંગ્લાદેશમાં ઢાકા આસપાસની કેટલીક ફેક્ટરીઓએ અંદાજે 20થી 25 ઉત્પાદન દિવસ ગુમાવ્યા છે. વૈશ્વિક ખરીદદારો હવે ઓછા ભાવ કરતાં સમયસર ડિલિવરીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે. ભારતીય કંપનીઓ ગુણવત્તા, ઉત્પાદન ક્ષમતા અને સમયસર સપ્લાય જાળવી શકે તો આ તક લાંબા ગાળાના નિકાસ વ્યવસાયમાં પરિવર્તિત થઈ શકે છે. જોકે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સામાન્ય બને તો કેટલાક ઓર્ડર પરત પણ જઈ શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રવિ પાકને મોટો ફટકો! ઘઉંનું વાવેતર 75% અને ચણું 50% ઘટ્યું, દેશમાં રવિ વાવેતર 10.26% ઘટ્યું
Also Read

અમેરિકામાં વધુ એક મોટી બેન્ક ડૂબી!, અબજો ડોલરની ડિપોઝિટનું શું થશે?

વિશ્વની 10માંથી 6 ઇલેક્ટ્રિક કાર ચીનમાં વેચાઈ, અમેરિકામાં EV માર્કેટ ઠંડું પડ્યું

નોકરી છોડી દો - ભારત જાઓ, IBM એ યુએસ વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરી, 31 ડિસેમ્બર સુધીની ડેડલાઇન

અમેરિકામાં 1.6 કરોડ નોકરીઓ AI ખાઈ જશે !

અમેરિકાના દરેક બાળકને ઈલોન મસ્ક આપશે ખાસ ભેટ, જાહેરાત સાંભળીને તમે પણ ચોંકી જશો

અમેરિકાનો નવો ટેરિફ બોમ્બ: ભારત સહિત 7 દેશો પર 25% અને ચીન પર 40% સુધી ટેક્સ લાદવાનો પ્રસ્તાવ

US શેરબજારમાં કડાકો: AI શેરોમાં વેચવાલીથી Nasdaq 1.43% તૂટ્યો, Nvidia અને Anthropic ના શેર ગગડ્યા




