KuberaNowLogo
Friday, 09/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

RBI નહીં, હવે કંપનીઓએ જાતે સંભાળવું પડશે રૂપિયાનું જોખમ?

મોંઘા ડોલર સામે ફોરવર્ડ અને ઓપ્શન જેવા સાધનોથી આયાત, વિદેશી દેવું અને ડોલર પેમેન્ટના વધતા ખર્ચ સામે કંપનીઓ હેજિંગને બનાવી રહી છે ઢાલ

desk@kuberanowPublished On : 9 Oct 2026
Rupee Hedging
AI generated

ભારતીય રૂપિયામાં સતત નરમાઈ આવવાથી દેશની કંપનીઓ સામે ફોરેન એક્સચેન્જ જોખમનો સામનો કરવાનો પડકાર ઊભો થયો છે. હવે કંપનીઓ માત્ર એ આશામાં ના રહી શકે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) રૂપિયાને કોઈ નિશ્ચિત સ્તર પર સંભાળી લેશે. તેમણે પોતાની આયાત, નિકાસ, વિદેશી દેવું અને ભવિષ્યમાં થનારા ડોલરની ચૂકવણીની સુરક્ષા માટે જાતે જ અસરકારક રણનીતિ તૈયાર કરવી પડશે.


સપ્ટેમ્બરમાં વિક્રમી 77 અબજ ડોલરના કરન્સી હેજિંગ સોદા થયા

રૂપિયાની દિશા અંગે અનિશ્ચિતતા વધવાની સાથે ચલણના જોખમોનું સંચાલન ભારતીય કંપનીઓની પોતાની જવાબદારી બનતી જઈ રહી છે. વિદેશી કરન્સી બજાર સંબંધિત આંકડા બતાવે છે કે ભારતીય કંપનીઓ રૂપિયાના સંભવિત ઘટાડા અંગે સાવધ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ સપ્ટેમ્બરમાં આયાતકારોએ લગભગ 77 અબજ ડોલરના કરન્સી હેજિંગ સોદા કર્યા, જે એક વર્ષ પહેલાની સરખામણીમાં 80 ટકાથી વધુ અને અત્યાર સુધીનો સૌથી મોટો માસિક આંકડો છે. આ સમયમાં નિકાસકારોએ અંદાજે 41 અબજ ડોલરના હેજિંગના સોદા કર્યા, જે વાર્ષિક આધારે 77 ટકાથી વધુ છે.


જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 વચ્ચે આયાતકારોનું કુલ ફોરવર્ડ હેજિંગ લગભગ 576.6 અબજ ડોલર રહ્યું, જ્યારે નિકાસકારો તરફથી આ આંકડો અંદાજે 305.6 અબજ ડોલર હતું. તેનાથી સ્પષ્ટ થાય છે કે ડોલરની જરૂર રાખતી કંપનીઓ પોતાના ભવિષ્યના ખર્ચને સુરક્ષિત કરવા માટે વધુ સક્રિય છે. હેજિંગનો અર્થ ભવિષ્યમાં વિદેશી કરન્સીના વિનિમય દરમાં થતા પ્રતિકૂળ પરિવર્તનથી બચાવ કરવાનો છે. કંપનીઓ તેના માટે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ અને ઓપ્શન જેવા નાણાકીય સાધનોનો ઉપયોગ કરી શકે છે.


રૂપિયાના ઘટાડાથી કંપનીઓ પર અસર

ડોલરની સરખામણીમાં રૂપિયો નબળો થાય છે ત્યારે વિદેશથી સામાન ખરીદનારી અને ડોલરમાં દેવું ચૂકવનારી ભારતીય કંપનીઓનો ખર્ચ વધી જાય છે. ઉદાહરણરૂપે, કોઈ કંપનીએ એક કરોડ ડોલરની ચૂકવણી કરવાની છે અને ડોલરનો દર 90 રૂપિયાથી વધીને 97 થઈ જાય છે તો તેની કુલ ચૂકવણીમાં સાત કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થઈ શકે છે. આ ગણતરી અન્ય ટેક્સ અને કોઈ પૂર્વ હેજિંગને સામેલ કર્યા વિના કરાઈ છે.


તેની અસર ઓઈલ અને એનર્જી ક્ષેત્રમાં ક્રૂડ ઓઈલ અને અન્ય એનર્જી ઉત્પાદનોની આયાતનો ખર્ચ વધી શકે છે. ઓટોમોબાઈલમાં વિદેશથી આયાતી પાર્ટ્સન અને ટેકનિકલ ઉપકરણ મોંઘા થઈ શકે છે. ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં આયાતી ચિપ, મશીનરી અને અન્ય ઘટકોનો ખર્ચ વધવાથી કંપનીઓના માર્જિન પર દબાણ પડી શકે છે. એવિએશન ક્ષેત્રમાં ડોલરમાં થતો ઈંધણનો ખર્ચ, વિમાન લીઝ અને અન્ય પેમેન્ટના રૂપિયામાં મૂલ્ય વધી શકે છે. વિદેશી દેવું લેનારી કંપનીઓએ ડોલરમાં લેવાયેલા દેવાં અને વ્યાજની ચૂકવણી માટે વધુ રૂપિયા ચૂકવવા પડી શકે છે. કંપનીઓ તેમના આ વધારાના ખર્ચા ગ્રાહકો પર નાંખે તો ઉત્પાદનો અને સેવાઓની કિંમત વધારવી પડી શકે છે. તેઓ કિંમતો ના વધારે તો તેમના નફા પર અસર થઈ શકે છે.


નિકાસકારો માટે પણ મોટો પડકાર

સામાન્ય રીતે નબળા રૂપિયાને નિકાસકારો માટે લાભદાયક માનવામાં આવે છે, કારણ કે ડોલરમાં મળતી કમાણીને રૂપિયામાં બદલવા પર વધુ રકમ મળી શકે છે, પરંતુ આ ફાયદો દરેક સ્થિતિમાં સુનિશ્ચિત નથી હોતો. કોઈ નિકાસકારે પહેલા જ ભવિષ્યમાં મળનારા ડોલરને ઓછા વિનિમય દર પર વેચવાનો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કરી લીધો હોય તો રૂપિયામાં આવેલી વધારાની નરમાઈનો લાભ તેને સંપૂર્ણપણે મળી શકે નહીં.


ઉદાહરણરૂપે, કોઈ કંપનીએ ભવિષ્યમાં મળનારા ડોલરને 90 રૂપિયાના દર પર વેચવાની સમજૂતી કરી છે. પાછળથી બજાર દર 97 રૂપિયા થઈ જાય તો તે વધેલા દરનો પૂરો લાભ નહીં ઉઠાવી શકે, કારણ કે તેનો સોદો પહેલા જ થઈ ગયો છે. આ રીતે હેજિંગ જ્યાં જોખમ ઘટાડે છે ત્યાં બજારની દિશા બદલાતા સંભવિત વધારાના લાભને પણ મર્યાદિત કરી શકે છે. આ જ કારણ છે કે કંપનીઓએ તેમના કારોબાર, રોકડ પ્રવાહ અને ચૂકવણીની સમય મર્યાદાને અનુરૂપ હેજિંગ કરવું પડે છે.


RBIની ભૂમિકા અને તેની મર્યાદા

રૂપિયામાં અસ્થિરતાને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેન્ક વિદેશી કરન્સી બજારમાં હસ્તક્ષેપ કરી શકે છે. આ સિવાય નાણાં નીતિ અને અન્ય નિયામકીય પગલાં મારફત પણ બજારની પરિસ્થિતિઓ પર અસર કરી શકાય છે. જોકે, કેન્દ્રીય બેન્ક માટે રૂપિયાને દરેક પરિસ્થિતિમાં કોઈ એક નિશ્ચિત વિનિમય દર પર જાળવી રાખવો સરળ નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી, ક્રૂડ ઓઈલના ભાવ, વિદેશી રોકાણકારો દ્વારા મૂડી ઉપાડ અને ભૂ-રાજકીય તણાવ જેવા કારક રૂપિયા પર દબાણ નાંખી શકે છે.


રૂપિયામાં આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 6.5 ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો. જૂનમાં જાહેર કરાયેલા નીતિગત ઉપાયોથી 140 અબજ ડોલરથી વધુનો પ્રવાહ આકર્ષિત થવા છતાં કંપનીઓની હેજિંગ માગ ઊંચી રહી. ત્યાર પછી રૂપિયામાં મામૂલી સુધારા દરમિયાન ડોલરની સરખામણીમાં તેનો દર 96.61 સુધી પહોંચ્યો. આ પહેલા રૂપિયો તેના વિક્રમી નીચલા સ્તર નજીક પહોંચી ગયો હતો. આ સ્થિતિમાં કેન્દ્રીય બેન્ક હંમેશા તેમની પસંદના સ્તર પર રૂપિયાને સ્થિર રાખશે તેમ માનવું કંપનીઓ માટે જોખમ ભરેલું બની શકે.


કંપનીઓએ તેમની રણનીતિ બદલવી પડશે

નિષ્ણાતોનું માનવું છે કે કંપનીઓએ કરન્સી જોખમના સંચાલનને માત્ર નાણાં વિભાગની નિયમિત પ્રક્રિયા માનવાના બદલે કારોબારી રણનીતિનો ભાગ બનાવવું જોઈએ. તેના માટે કંપનીઓ આગામી મહિનાઓમાં કેટલા ડોલરની જરૂર હશે તેનું સચોટ અનુમાન લગાવવું પડશે. બધા વિદેશી ચલણની લેવડ-દેવડને એક જ રીતે સુરક્ષિત કરવાના બદલે વાસ્તવિક જોખમને અનુરૂપ હેજિંગ કરવું પડશે.


બજારમાં વધુ અનિશ્ચિતતા હોય તો પેમેન્ટની સમય મર્યાદા મુજબ અલગ અલગ સમયના કોન્ટ્રાક્ટ પર વિચાર કરવો જોઈએ. આ રીતે ટૂંકા અને લાંબાગાળાના સોદા કરવા જોઈએ. જે કંપનીઓની કમાણી ડોલરમાં થાય છે, તેઓ તેમની આ આવકનો ઉપયોગ તેમના ડોલરના પેમેન્ટ અથવા દેવાંનો કેટલોક હિસ્સો ચૂકવવામાં કરી શકે છે. વિનિમય દર, ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક નાણાકીય પરિસ્થિતિઓમાં ફેરફાર મુજબ જોખમનું આકલન કરી શકાય છે. જોકે, હેજિંગનો ખર્ચ પણ મહત્વપૂર્ણ છે. ફોરવર્ડ પ્રીમિયમ વધતા અથવા બજારમાં લિક્વિડિટી ઘટતા વિદેશી કરન્સી જોખમથી બચાવ મોંઘો થઈ શકે છે. તેથી માત્ર વધુ હેજિંગ કરવું જ પર્યાપ્ત નથી, યોગ્ય સમય, યોગ્ય સાધન અને વાસ્તવિક કારોબારી જરૂરિયાત વચ્ચે સંતુલન જરૂરી છે.


હવે આગળ શું?

આગામી સમયમાં ભારતીય કંપનીઓની નાણાકીય સ્થિતિ પર રૂપિયાની ચાલની અસર એ બાબતથી નક્કી થશે કે ડોલરમાં તેમના દેવાં કેટલા છે, નિકાસથી કેટલી વિદેશી કરન્સી મળે છે અને તેમણે તેમના જોખમનો કેટલો હિસ્સો પહેલાથી જ સુરક્ષિત કરી લીધો છે. ઈમ્પોર્ટરો માટે રૂપિયાની નબળાઈ ખર્ચ અને નફા પર દબાણ વધારી શકે છે જ્યારે નિકાસકારો માટે તેની અસર પહેલા કરાયેલા હેજિંગ સોદા અને પેમેન્ટની શરતો પર નિર્ભર કરશે. એકંદરે, રૂપિયામાં ઉતાર-ચઢાવ હવે માત્ર કરન્સી બજારનો મુદ્દો નથી રહી ગયો. તે કંપનીઓના ખર્ચ, મૂલ્ય નિર્ધારણ, રોકડ પ્રવાહ અને રોકાણ સંબંધિ નિર્ણયોને અસર કરનારું વ્યાવસાયિક જોખમ બની ગયું છે.


રિઝર્વ બેન્કની નીતિઓ રૂપિયાને સ્થિર રાખવામાં મદદ કરી શકે છે, પરંતુ દરેક કંપનીના કારોબારી જોખમની જવાબદારી કેન્દ્રીય બેન્ક ના ઉઠાવી શકે.એવામાં ભારતીય કંપનીઓ માટે અસરકારક હેજિંગ, શિસ્તબદ્ધ નાણાકીય સંચાલન અને બદલાતી પરિસ્થિતિઓ મુજબ રણનીતિ તૈયાર કરવી પહેલાથી વધુ મહત્વપૂર્ણ થઈ ગયું છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn