KuberaNowLogo
Tuesday, 24/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ઓનલાઈન છેતરપિંડી પર લાગશે લગામ, RBI લાવશે 'Stop Switch' સુવિધા

RBIએ ડિજિટલ પેમેન્ટ ફ્રોડ રોકવા માટે નવા સુરક્ષા પ્રસ્તાવો રજૂ કર્યા છે. તેમાં મોટા ટ્રાન્સફર માટે Trusted Personની મંજૂરી અને ખાતામાંથી થતા આઉટગોઇંગ ટ્રાન્ઝેક્શન રોકવા માટે Stop Switch સામેલ છે. ગ્રાહકોને ડિજિટલ ચેનલ અને ટ્રાન્ઝેક્શન લિમિટ પર વધુ નિયંત્રણ આપવાની સાથે બેન્કોની જવાબદારી પણ વધારવાનો પ્રસ્તાવ છે.

Kuberanow DeskPublished On : 24 Nov 2026
RBI
RBI Stop Switch FeatureAI Generated Image

RBI Stop Switch Feature: ડિજિટલ પેમેન્ટના વધતા ઉપયોગ સાથે ઓનલાઈન ફ્રોડનું જોખમ પણ વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે નવા પ્રસ્તાવો રજૂ કર્યા છે. આ પ્રસ્તાવો RBI (Commercial Banks - Responsible Business Conduct) Fifth Amendment Directions, 2026ના ડ્રાફ્ટનો ભાગ છે. તેમાં ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ ચેનલ અને ટ્રાન્ઝેક્શન મર્યાદા પર વધુ નિયંત્રણ આપવાની સાથે ફ્રોડની સ્થિતિમાં બેન્કોની જવાબદારી વધારવાની જોગવાઈઓ સામેલ છે.


મોટા ટ્રાન્સફર માટે વિશ્વાસુ વ્યક્તિની મંજૂરી

RBIએ Trusted Person Mechanismનો પ્રસ્તાવ મૂક્યો છે. તેના હેઠળ ગ્રાહક પોતાની ઇચ્છાથી એક વિશ્વાસુ વ્યક્તિને પસંદ કરી શકશે. નક્કી કરેલી મર્યાદાથી વધુનો નાણાકીય ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે આ વિશ્વાસુ વ્યક્તિને એલર્ટ મળશે. તેને ટ્રાન્ઝેક્શન મંજૂર કરવા અથવા નકારવા માટે એક કલાકનો સમય મળશે. જો નિર્ધારિત સમયમાં મંજૂરી નહીં મળે તો ટ્રાન્ઝેક્શન આપમેળે રદ થઈ જશે. આ વ્યવસ્થા નક્કી કરેલી મર્યાદાથી વધુના ભૌતિક અને ડિજિટલ નાણાં ટ્રાન્સફર માટે લાગુ થશે. જોકે UPI પેમેન્ટ, વેપારીને કરવામાં આવતી ચુકવણી અને પહેલાથી ચાલુ રિકરિંગ મેન્ડેટ્સને આ વ્યવસ્થામાંથી બહાર રાખવામાં આવ્યા છે. ટ્રાન્ઝેક્શન મંજૂર કે નકારવાથી વિશ્વાસુ વ્યક્તિ પર કોઈ નાણાકીય જવાબદારી રહેશે નહીં.


ખાતું તરત રોકવા મળશે ‘સ્ટોપ સ્વિચ’

જો ગ્રાહકને શંકા હોય કે તેનું બેન્ક ખાતું હેક અથવા અન્ય રીતે જોખમમાં આવ્યું છે, તો Account-wide Stop Switchની મદદથી ખાતામાંથી થતી બહારની ચુકવણીઓ તાત્કાલિક રોકી શકાશે. આ સુવિધા બેન્કની શાખા, ATM, નેટ બેન્કિંગ, મોબાઇલ એપ અને IVR દ્વારા ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ છે. સ્ટોપ સ્વિચ ચાલુ કર્યા બાદ બહાર જતી ચુકવણીઓ, નવા મેન્ડેટ્સ અને થર્ડ-પાર્ટી એપ પર UPI રજિસ્ટ્રેશનને રોકી શકાશે. જોકે ખાતામાં આવતી રકમ, પહેલાથી ચાલુ રિકરિંગ મેન્ડેટ્સ અને બેન્ક દ્વારા શરૂ કરાયેલી વસૂલાતની પ્રક્રિયા ચાલુ રહેશે. સ્ટોપ સ્વિચ ફરીથી બંધ કરવા માટે કડક ચકાસણી અને જોખમના આધારે નક્કી કરાયેલ ‘કૂલિંગ પિરિયડ’ લાગુ થઈ શકે છે.


ગ્રાહકોને પેમેન્ટ પર વધુ નિયંત્રણ મળશે

નવા પ્રસ્તાવ હેઠળ ગ્રાહકો પોતાની ડિજિટલ પેમેન્ટ ચેનલને પોતાની જરૂરિયાત પ્રમાણે ચાલુ અથવા બંધ કરી શકશે. ગ્રાહકો અલગ-અલગ ચેનલ માટે ટ્રાન્ઝેક્શન મર્યાદા નક્કી કરી શકશે. આ મર્યાદા લાભાર્થી અથવા દિવસના આધારે પણ નક્કી કરી શકાશે. ડેબિટ, ક્રેડિટ અને પ્રીપેઇડ કાર્ડ માટે પણ દેશની અંદર કે વિદેશમાં થતી ચુકવણી, ATM, PoS, ઓનલાઈન અને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન માટે આવા નિયંત્રણો આપવાનો પ્રસ્તાવ છે. ગિફ્ટ અને ટ્રાન્ઝિટ PPIને આમાંથી બહાર રાખવામાં આવ્યા છે. નવા ખાતાઓમાં ડિજિટલ ચેનલ શરૂઆતમાં ડિફોલ્ટ રીતે બંધ રહેશે. એક્ટિવેશન બાદના પ્રથમ 24 કલાક માટે બેન્ક દ્વારા નક્કી કરાયેલી મર્યાદા લાગુ રહેશે. નવા કાર્ડમાં શરૂઆતમાં માત્ર દેશની અંદરના કોન્ટેક્ટ આધારિત ATM અને PoS ટ્રાન્ઝેક્શનની મંજૂરી રહેશે.


ફ્રોડ થાય તો બેન્કોની જવાબદારી પણ વધશે

RBIએ બેન્કની બેદરકારીના દાયરાને પણ વિસ્તૃત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશનમાં નિષ્ફળતા, ગ્રાહકે નક્કી કરેલા નિયંત્રણોનો અમલ ન થવો, ફ્રોડ અંગેના એલર્ટમાં નિષ્ફળતા, 24 કલાક અને સાતેય દિવસ ફરિયાદ નોંધાવવાની વ્યવસ્થાનો અભાવ તથા ફરિયાદો પર સમયસર કાર્યવાહી ન કરવી જેવી બાબતોમાં બેન્કની જવાબદારી નક્કી થઈ શકે છે. વારંવાર ખોટા લોગિન પ્રયાસો થયા બાદ પેમેન્ટ ચેનલને બ્લોક કરવામાં બેન્ક નિષ્ફળ જાય તો પણ તેને બેદરકારી તરીકે ગણવામાં આવી શકે છે. આ ઉપરાંત સિસ્ટમમાં ખામી, બેન્કની બાજુથી થયેલો સુરક્ષા ભંગ અને બેન્કના કર્મચારી અથવા વેન્ડર દ્વારા મિલીભગત જેવા કિસ્સામાં પણ બેન્કની જવાબદારી નક્કી થઈ શકે છે.


કઈ બેન્કોને નિયમ લાગુ પડશે?

આ પ્રસ્તાવિત નિયમો કોમર્શિયલ બેન્કો માટે છે. જોકે સ્મોલ ફાઇનાન્સ બેન્ક, પેમેન્ટ બેન્ક, પ્રાદેશિક ગ્રામીણ બેન્ક (RRB) અને લોકલ એરિયા બેન્કને આ નિયમોમાંથી બહાર રાખવામાં આવી છે. RBIના આ પ્રસ્તાવોનો મુખ્ય હેતુ ગ્રાહકોને તેમના ડિજિટલ પેમેન્ટ પર વધુ નિયંત્રણ આપવાનો અને ખાતામાં શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય ત્યારે પૈસા બહાર જતાં ઝડપથી રોકવાની વ્યવસ્થા મજબૂત કરવાનો છે.


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn