પોસ્ટ ઓફિસ કે બેંક FD? ક્યાં પૈસા રોકવાથી મળશે વધુ વળતર, જાણો સંપૂર્ણ ગણિત
પૈસા સુરક્ષિત રાખવાની સાથે સારું વ્યાજ મેળવવા માંગતા રોકાણકારો માટે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ અને બૅંક FD લોકપ્રિય વિકલ્પો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2026ના ત્રિમાસિક ગાળા માટે પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓમાં 8.2 ટકા સુધી વ્યાજ મળે છે, જ્યારે પસંદગીની સ્મોલ ફાઇનાન્સ બૅંકો સામાન્ય ગ્રાહકોને 8.25 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.60 ટકા સુધી વ્યાજ આપે છે.

Post Office vs Bank FD: હેનતની કમાણીમાંથી બચાવેલા પૈસા ક્યાં રોકવા જેથી મૂડી સુરક્ષિત રહે અને સારું વ્યાજ પણ મળે? આ સવાલ મોટાભાગના રોકાણકારોના મનમાં હોય છે. ખાસ કરીને જ્યારે શેરબજારનું જોખમ લેવા માંગતા ન હોય ત્યારે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ અને બૅંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) બે મુખ્ય વિકલ્પ બની રહે છે. જોકે, સૌથી વધુ વ્યાજ ક્યાં મળે છે તે અંગેનું ચિત્ર બદલાઈ રહ્યું છે. નવેમ્બર 2026ના વ્યાજ દરો મુજબ કેટલીક સ્મોલ ફાઇનાન્સ બૅંકો પોસ્ટ ઓફિસની યોજનાઓ કરતાં વધુ વ્યાજ આપી રહી છે. પરંતુ શું વધારે વ્યાજ મળવાનો અર્થ એ છે કે બૅંક FD જ વધુ સારો વિકલ્પ છે? આ સમજવા માટે બંનેના વ્યાજ દર, રોકાણની શરતો અને સુરક્ષાની સરખામણી કરવા જરૂરી છે.
પોસ્ટ ઓફિસની યોજનાઓમાં 8.2 ટકા સુધી વ્યાજ, સરકારે દર યથાવત્ રાખ્યા
કેન્દ્ર સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બર 2026ના ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે અગાઉના ત્રિમાસિક ગાળામાં લાગુ રહેલા વ્યાજ દરો જ ચાલુ રાખવામાં આવ્યા છે. પોસ્ટ ઓફિસની યોજનાઓમાં સૌથી વધુ 8.2 ટકા વ્યાજ સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં મળી રહ્યું છે. જોકે, બંને યોજનાઓમાં રોકાણ કરવા માટે ચોક્કસ પાત્રતા માપદંડો છે.
પોસ્ટ ઓફિસની કઈ યોજનામાં કેટલું વ્યાજ મળે છે?
પોસ્ટ ઓફિસ સામાન્ય રોકાણકારો માટે પણ ઘણાં આકર્ષક વિકલ્પો પ્રદાન કરે છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) 7.7 ટકા વાર્ષિક વ્યાજ આપે છે, જેમાં મેચ્યોરિટી પર એકસાથે ચુકવણી કરવામાં આવે છે. પાંચ વર્ષની ટાઈમ ડિપોઝિટ (TD) અને કિસાન વિકાસ પત્ર (KVP) 7.5 ટકા વાર્ષિક વ્યાજ આપે છે. KVPની વિશિષ્ટ વિશેષતા એ છે કે રોકાણ કરેલા નાણાં 115 મહિનામાં બમણા થઈ જાય છે. વધુમાં, નિયમિત માસિક આવક મેળવવા માંગતા લોકો માટે, મથલી ઈનકમ સ્કીમ(MIS) છે, જે 7.4 ટકા વ્યાજ આપે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) વાર્ષિક ચક્રવૃદ્ધિના લાભ સાથે 7.1 ટકા વાર્ષિક વ્યાજ આપે છે. દરમિયાન, SCSS ત્રિમાસિક ધોરણે વ્યાજ ચૂકવે છે.
સ્મોલ ફાઇનાન્સ બૅંક FDમાં 8.25 ટકા સુધી વ્યાજ
બેંક FDના વ્યાજ દરોની વાત કરીએ તો નવેમ્બર 2026માં સ્મોલ ફાઇનાન્સ બૅંકો મોખરે છે. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સામાન્ય ગ્રાહકોને 5 વર્ષની FD પર 8.25 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત ઉજ્જિવન અને ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક પણ પસંદગીની મુદત માટે 8.10 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે. નોંધનીય છે કે, બૅંકોના સૌથી ઊંચા વ્યાજ દર દરેક FD પર લાગુ પડતા નથી. તે ચોક્કસ સમયમર્યાદા માટે જ ઉપલબ્ધ હોય છે.
ખાનગી ક્ષેત્રની બૅંકો પસંદગીની મુદત માટે 7.5 ટકા સુધી અને બંધન બૅંક 7.45 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે. જોકે, ભારતની સૌથી મોટી ખાનગી બૅંકોના વ્યાજ દર નોંધપાત્ર રીતે ઓછા છે. કોટક મહિન્દ્રા બેંક 6.8 ટકા, HDFC બેંક અને એક્સિસ બેંક 6.6 ટકા, અને ICICI બેંક 6.55% ઓફર કરે છે. સરકારી બેંક (PSU) પણ આવી જ રીતે વ્યાજ દર ઓફર કરી રહી છે. બેંક ઓફ ઈન્ડિયા તેની ખાસ 500-દિવસની FD પર 6.85% ઓફર કરે છે. પંજાબ નેશનલ બેંક (PNB) અને ઇન્ડિયન બેંક 6.8% સુધી, બેંક ઓફ બરોડા અને કેનેરા બેંક 6.75% સુધી ઓફર કરે છે, જ્યારે દેશની સૌથી મોટી બેંક, SBI, પસંદગીની મુદત માટે 6.45% સુધીના વ્યાજ દર ઓફર કરે છે.
રોકાણ કરતા પહેલાં આ બાબતો ખાસ તપાસો
પોસ્ટ ઓફિસની બચત યોજના હોય કે બૅંક FD, રોકાણ કરતા પહેલાં વ્યાજ દર ઉપરાંત યોજનાની શરતો પણ સમજવી જરૂરી છે. ખાસ કરીને રોકાણની સમયમર્યાદા, વ્યાજની ચુકવણી ક્યારે થશે, જરૂર પડે ત્યારે સમય પહેલાં પૈસા ઉપાડી શકાશે કે નહીં અને તેના પર કેટલો દંડ લાગશે તેની તપાસ કરવી જોઈએ. પરાંત, પોસ્ટ ઓફિસની દરેક યોજના બધા રોકાણકારો માટે ઉપલબ્ધ નથી. SCSS અને SSY જેવી યોજનાઓમાં પાત્રતાના અલગ નિયમો છે. ટેક્સની દ્રષ્ટિએ પણ બંને વિકલ્પો અલગ હોઈ શકે છે. તેથી રોકાણકારોએ માત્ર જાહેર કરાયેલો વ્યાજ દર નહીં, પરંતુ ટેક્સ બાદ મળનારા વળતરને પણ ધ્યાનમાં લેવું જોઈએ.
સૌથી મહત્ત્વની વાત એ છે કે ઊંચો વ્યાજ દર જ રોકાણનો એકમાત્ર માપદંડ નથી. રોકાણકારની ઉંમર, નાણાકીય જરૂરિયાત, જોખમ સહન કરવાની ક્ષમતા, કરવેરા અને જરૂર પડ્યે પૈસા ઉપાડવાની સુવિધા જેવા પરિબળોના આધારે યોગ્ય વિકલ્પ બદલાઈ શકે છે.
આ પણ વાંચો: રોકાણકારો માટે મોટી તક: આ અઠવાડિયે 9 નવા મ્યુચ્યુઅલ ફંડ NFO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Bank Holiday: આવતા અઠવાડિયે 3 દિવસ બેન્કો રહેશે બંધ, જાણો તમારા શહેરમાં ક્યારે રજા?

રોકાણકારો માટે મોટી તક: આ અઠવાડિયે 9 નવા મ્યુચ્યુઅલ ફંડ NFO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે

SIP vs Lumpsum: દર મહિને ₹5,000 ની SIP કે ₹5 લાખનું એકસાથે રોકાણ, 10 વર્ષમાં શેમાં મળશે વધુ રિટર્ન?

Children’s Day પર બાળકને આપો નાણાકીય શિક્ષણ અને ભવિષ્યનો પાયો મજબૂત કરો

બેંક ખાતામાં ₹5 લાખથી વધુ રકમ છે? આ નિયમ નહીં જાણો તો થઈ શકે છે મોટું નુકસાન

GIFT City Funds: વૈશ્વિક બજારમાં રોકાણના નવા વિકલ્પો, Standard Charteredના 4 ફંડ; Franklinનું NFO ખુલ્યું

બેંક ગ્રાહકો માટે કામના સમાચાર: સેવિંગ્સ એકાઉન્ટ પર વધુ વ્યાજ મેળવવા શરૂ કરો Sweep-In FD




