વેદાંતાને મોટો ઝટકો: ONGCએ કેમ્બે ઓઇલ બ્લોકનો કબજો લીધો, 379 કરોડ રૂપિયાનું નુકસાન!
સરકારી ઓઇલ કંપની ONGCએ ગુજરાતના દરિયાકાંઠે આવેલા વિવાદિત કેમ્બે ઓફશોર ઓઇલ અને ગેસ બ્લોક (CB-OS-02)નું સંચાલન અને નિયંત્રણ સંભાળી લીધું છે. દિલ્હી હાઇકોર્ટના આદેશ બાદ આ પગલું લેવામાં આવ્યું હતું.

Vedanta-ONGC Dispute: અનિલ અગ્રવાલની વેદાંતા ઓઇલ એન્ડ ગેસને ગુજરાતના દરિયાકાંઠે આવેલા કેમ્બે ઓફશોર ઓઇલ અને ગેસ બ્લોકને લઈને મોટો ફટકો પડ્યો છે. સરકારી માલિકીની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)એ વિવાદિત CB-OS-02 બ્લોકનું સંચાલન અને નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે. દિલ્હી હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે વેદાંતાની અરજી ફગાવ્યા બાદ ONGCએ 22મી જુલાઈ, 2026થી બ્લોકનું નિયંત્રણ સંભાળ્યું હતું. બીજી તરફ, વેદાંતાએ બ્લોક સાથે સંકળાયેલી સંપત્તિ અને બાકી લેણાંની વસૂલાત અંગે અનિશ્ચિતતા ઊભી થતાં 379 કરોડ રૂપિયાનો ઇમ્પેરમેન્ટ ચાર્જ નોંધાવ્યો છે.
ગુજરાતના કેમ્બે ઓઇલ બ્લોકનો વિવાદ શું છે?
કેમ્બે ઓફશોર બ્લોક (CB-OS-02) ગુજરાતના દરિયાકાંઠે આવેલો ઓઇલ અને ગેસ ઉત્પાદન સાથે સંકળાયેલો બ્લોક છે. આ બ્લોકનું સંચાલન અગાઉ વેદાંતા કરતી હતી. બ્લોકના સંયુક્ત સાહસમાં ત્રણ કંપનીઓની ભાગીદારી હતી. ONGC પાસે સૌથી વધુ 50 ટકા હિસ્સો હતો, જ્યારે વેદાંતા પાસે 40 ટકા અને ઇન્વેનિર પેટ્રોડાયન લિમિટેડ પાસે બાકીનો 10 ટકા હિસ્સો હતો. આ બ્લોકનો પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટ (PSC) 29મી જૂન, 2023ના રોજ સમાપ્ત થયો હતો. જોકે, કરાર પૂર્ણ થાય તે પહેલાં 28મી જૂન, 2021ના રોજ વેદાંતા અને તેના ભાગીદારોએ કેન્દ્ર સરકારની 2017ની નીતિ હેઠળ કરારની મુદત વધારવા માટે અરજી કરી હતી.
સરકારે કેમ્બે બ્લોકનો કરાર લંબાવવાનો ઇનકાર કર્યો
કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે 19મી સપ્ટેમ્બર, 2025ના રોજ વેદાંતાની કરાર લંબાવવાની અરજી નામંજૂર કરી હતી. સરકારે વેદાંતાને બ્લોકનું સંચાલન અને કબજો ONGCને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, વેદાંતા આ નિર્ણય સાથે સહમત નહોતી. કંપનીએ સરકારના આદેશને પડકારવા માટે 22 સપ્ટેમ્બર, 2025ના રોજ દિલ્હી હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. કાનૂની કાર્યવાહી દરમિયાન વેદાંતાને વચગાળાની રાહત મળી હતી અને બ્લોક અંગે યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ હાઇકોર્ટના નિર્ણયથી પરિસ્થિતિ બદલાઈ ગઈ.
દિલ્હી હાઇકોર્ટે વેદાંતાની અરજી ફગાવી, ONGCએ કબજો લીધો
22 જુલાઈ, 2026ના રોજ દિલ્હી હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે વેદાંતાની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે બ્લોકના પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટની મુદત ન વધારવાના સરકારના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો. આ નિર્ણય સાથે બ્લોક પર યથાસ્થિતિ જાળવી રાખવાનો વચગાળાનો આદેશ પણ સમાપ્ત થયો. ત્યારબાદ ONGCએ સરકારના નિર્દેશ મુજબ 22 જુલાઈથી બ્લોકનું સંચાલન અને નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું. ONGCએ 28 જુલાઈ, 2026ના રોજ આ બ્લોક માટે પેટ્રોલિયમ લીઝ મેળવવા અરજી પણ કરી હતી. ONGCના જણાવ્યા મુજબ, કંપનીએ 21 જુલાઈ સુધી બ્લોકમાં પોતાનો હિસ્સો સંયુક્ત સાહસ તરીકે નોંધાવ્યો હતો. 22 જુલાઈથી કંપની સરકારની નોમિનેશન વ્યવસ્થાને લાગુ પડતી શરતો હેઠળ બ્લોકનું સંચાલન કરી રહી છે.
વેદાંતાને ₹379 કરોડનો ફટકો
કેમ્બે બ્લોકનું નિયંત્રણ ONGC પાસે જતાં વેદાંતા ઓઇલ એન્ડ ગેસે તેના નાણાકીય હિસાબમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. દિલ્હી હાઇકોર્ટના 22 જુલાઈના આદેશ બાદ કંપનીએ કેમ્બે બ્લોકમાંથી થતી આવક અને તેને સંબંધિત ખર્ચની નોંધણી બંધ કરી દીધી હતી. કંપનીના જણાવ્યાનુસાર, બ્લોક માટે માન્ય પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટ ન હોવાને કારણે અને સંબંધિત સંપત્તિ તથા બાકી લેણાંની વસૂલાત અંગે અનિશ્ચિતતા ઊભી થતાં તેમના મૂલ્યનું પુનર્મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા બાદ કંપનીએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (Q1 FY27) આશરે 379 કરોડ રૂપિયાનો ઇમ્પેયરમેન્ટ ચાર્જ નોંધાવ્યો છે.
ઇમ્પેરમેન્ટ ચાર્જ એટલે શું?
કંપનીની કોઈ સંપત્તિનું હિસાબી મૂલ્ય તેની અંદાજિત વસૂલપાત્ર રકમ કરતાં વધુ હોય ત્યારે તેના મૂલ્યમાં ઘટાડો નોંધવામાં આવે છે. આ હિસાબી ખર્ચને ઇમ્પેરમેન્ટ ચાર્જ કહેવામાં આવે છે. વેદાંતાના કિસ્સામાં 379 કરોડ રૂપિયાનો આ ચાર્જ સંપત્તિ અને સંબંધિત લેણાંના મૂલ્યમાં થયેલા ઘટાડાને દર્શાવે છે. તેથી તેને કંપનીના ખાતામાંથી 379 કરોડ રૂપિયાની સીધી રોકડ ચુકવણી થઈ હોય તે રીતે સમજવું યોગ્ય નથી.
વેદાંતાએ હાઇકોર્ટના નિર્ણય સામે અપીલ કરી
દિલ્હી હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચના નિર્ણય સામે વેદાંતાએ ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરી છે. કંપનીના જણાવ્યાનુસાર, આ મામલામાં પહેલી ઓક્ટોબર, 2026ના રોજ સુનાવણી પૂર્ણ થઈ હતી અને કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આનો અર્થ એ થયો કે ONGC હાલમાં બ્લોકનું સંચાલન કરી રહી હોવા છતાં કાનૂની વિવાદનો અંતિમ ઉકેલ આવ્યો નથી. ONGC અને વેદાંતા બંનેએ પોતાના નાણાકીય ખુલાસામાં જણાવ્યું છે કે આ કેસનું અંતિમ પરિણામ અને તેના કારણે થનારી નાણાકીય અસર હાલમાં નક્કી કરી શકાય તેમ નથી.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસ કે બેંક FD? ક્યાં પૈસા રોકવાથી મળશે વધુ વળતર, જાણો સંપૂર્ણ ગણિત
Also Read

ટોલ કલેક્શનમાં નવો રેકોર્ડ! ઓક્ટોબરમાં ₹6,640 કરોડની વસૂલાત, FASTag-UPIનો ઉપયોગ વધતાં રોકડ વ્યવહારો ઘટ્યા

ભારત-નેપાળ વચ્ચે દોડશે નવી ટ્રેન, અયોધ્યા-જનકપુર વચ્ચે 604 કિમીની રેલસેવાને મંજૂરી

Global Economy 2027: ભારત 7.2% ના દરે વધશે, જાણો ક્રૂડ ઓઇલ અને મોંઘવારી પર શું છે રિપોર્ટ

CNG Price Hike: ફરી એકવાર વધ્યા CNGના ભાવ, જાણો કેટલા અને ક્યા શહેરમાં?

કલાકોની સફર હવે મિનિટોમાં: 16 નવેમ્બરથી Namo Bharat નો નવો રૂટ શરૂ

SUV માર્કેટમાં બદલાયો ટ્રેન્ડ: હવે ડીઝલ નહીં, CNG બની પહેલી પસંદ

કેબ રેન્ટલના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી, માત્ર 5 કારથી શરૂ કરી શકાશે બિઝનેસ, મુસાફરોને મળશે વધુ વિકલ્પો!




