KuberaNowLogo
Friday, 09/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gujarat MSME Policy: નાના ઉદ્યોગકારો થશે માલામાલ! સરકાર આપશે મૂડી સહાય, AI ટ્રેનિંગ અને સબસિડી

ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’ હેઠળ MSME માટે નવી સહાય યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ ઉદ્યોગોને મૂડી રોકાણ, વ્યાજ, વીજળી, રોજગાર, ટેક્નોલોજી અને AI સહિત વિવિધ ક્ષેત્રોમાં નાણાકીય સહાય મળશે. 1 જૂન, 2026થી અમલમાં આવેલી આ યોજના 31 મે, 2031 સુધી લાગુ રહેશે.

desk@kuberanowPublished On : 9 Oct 2026
MSME
Gujarat MSME Policy 2026AI Generated Image

ગુજરાતમાં નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે રાજ્ય સરકારે નવી સહાય યોજના અમલમાં મૂકી છે. ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026 MSMEs માટે સહાય યોજના’ હેઠળ ઉદ્યોગોને માત્ર મૂડી રોકાણ અને લોનના વ્યાજમાં જ નહીં, પરંતુ વીજળી, રોજગાર, ગુણવત્તા પ્રમાણપત્ર, ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને બજારમાંથી મૂડી ઊભી કરવા માટે પણ પ્રોત્સાહન મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ઉદ્યોગ વિભાગનો હવાલો ધરાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ આ પહેલ કરવામાં આવી છે. યોજના 1 જૂન, 2026થી અમલમાં આવી છે અને 31 મે, 2031 સુધી અમલમાં રહેશે.


MSME ઉદ્યોગોને મૂડી રોકાણ પર કેટલી સહાય મળશે?

નવી યોજના હેઠળ MSME એક અથવા એકથી વધુ સહાય ઘટકોનો લાભ લઈ શકશે. તાલુકાની કેટેગરી પ્રમાણે સહાયની મર્યાદા નક્કી કરવામાં આવી છે. કેટેગરી-Aમાં સંયુક્ત પ્રોત્સાહનની મહત્તમ મર્યાદા પાત્ર સ્થિર મૂડી રોકાણ (EFCI)ના 45 ટકા અને કેટેગરી-Bમાં 35 ટકા રહેશે. કેટેગરી-Aમાં માઇક્રો ઉદ્યોગોને એક વર્ષમાં વિતરિત EFCIના 35 ટકા સુધી મૂડી સહાય મળી શકે છે. જ્યારે સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોને પાંચ વર્ષમાં વિતરિત EFCIના 35 ટકા સુધી સહાય મળશે. કેટેગરી-Bમાં આ દર 25 ટકા રહેશે. પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સ માટે સંયુક્ત સહાયની મહત્તમ મર્યાદા કેટેગરી-Aમાં 50 ટકા અને કેટેગરી-Bમાં 45 ટકા સુધી રાખવામાં આવી છે. માઇક્રો ઉદ્યોગો માટે શરૂઆતના વર્ષોમાં વિશેષ જોગવાઈ છે. કેટેગરી-Aમાં પ્રથમ વર્ષે 37 ટકા અને કેટેગરી-Bમાં 27 ટકા સુધીની વાર્ષિક પ્રોત્સાહન મર્યાદા રહેશે. ત્યારબાદના વર્ષોમાં બંને કેટેગરી માટે આ મર્યાદા 2 ટકા રહેશે. પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સના માઇક્રો ઉદ્યોગો માટે વધુ અનુકૂળ મર્યાદા નક્કી કરવામાં આવી છે.


લોનના વ્યાજ અને વીજળીના બિલમાં પણ રાહત

MSME ઉદ્યોગોને નાણાકીય ખર્ચ ઘટાડવામાં મદદ કરવા માટે ટર્મ લોન પર પાંચ વર્ષ સુધી 7 ટકા વ્યાજ સહાયની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટેગરી-Aના ઉદ્યોગોને પાંચ વર્ષ સુધી વીજદર પર યુનિટદીઠ ₹2 અને કેટેગરી-Bના ઉદ્યોગોને યુનિટદીઠ ₹1 સુધી સહાય મળશે. મહિલા ઉદ્યોગસાહસિકો, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ અને પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોને નિર્ધારિત મર્યાદામાં વધારાની 1 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે. આ જોગવાઈઓનો હેતુ ઉદ્યોગોના મૂડી અને સંચાલન ખર્ચમાં રાહત આપવાનો છે.


નવી નોકરીઓ ઊભી કરનારા ઉદ્યોગોને EPFમાં સહાય

નવી યોજના હેઠળ રોજગારી સર્જનને પણ મહત્વ આપવામાં આવ્યું છે. નવા કર્મચારીઓ માટે ઉદ્યોગ દ્વારા ચૂકવવામાં આવેલા એમ્પ્લોયર EPF યોગદાનની 100 ટકા સુધી ભરપાઈ પાંચ વર્ષ માટે મળી શકે છે. જોકે, દરેક કર્મચારી માટે સહાયની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.


Gujarat MSME Policy


આ સહાય કર્મચારીના બેઝિક પગાર, મોંઘવારી ભથ્થા અને રિટેનિંગ એલાઉન્સના 12 ટકા અથવા ઉપર દર્શાવેલી મર્યાદા પૈકી જે ઓછું હોય તે મુજબ મળશે. ઉદ્યોગનું વિસ્તરણ અથવા વૈવિધ્યકરણ કરવાથી સર્જાતી વધારાની રોજગારીને પણ આ સહાયનો લાભ મળી શકશે.


AI અને ડિજિટલ ટેક્નોલોજી માટે કેટલી સબ્સિડી?

નવી ઔદ્યોગિક નીતિમાં ટેક્નોલોજી અને AIના ઉપયોગને ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. Industry 4.0 અને AI આધારિત વ્યવસ્થાઓ તરફ ઉદ્યોગોને આગળ વધારવા માટે ICT સુવિધાઓના મૂડી ખર્ચના 65 ટકા સુધી, મહત્તમ ₹5 લાખની સહાય મળશે. માન્ય સંસ્થાઓ પાસેથી ટેક્નોલોજી મેળવવા માટે સામાન્ય MSMEને ખર્ચના 65 ટકા સુધી, મહત્તમ ₹50 લાખની સહાય આપવામાં આવશે. પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સ માટે ટેક્નોલોજી મેળવવાની સહાયની મર્યાદા ₹1 કરોડ સુધી રાખવામાં આવી છે. આ ઉપરાંત માઇક્રો ઉદ્યોગો અને પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સના કારીગરોને AI સબ્સ્ક્રિપ્શન ફીના 80 ટકા સુધી, વાર્ષિક મહત્તમ ₹1 લાખની સહાય ત્રણ વર્ષ સુધી મળશે.


પેટન્ટ અને ગુણવત્તા પ્રમાણપત્ર માટે પણ નાણાકીય મદદ

MSME ઉત્પાદનોની ગુણવત્તા સુધારવા અને વૈશ્વિક બજારમાં સ્પર્ધા વધારવા માટે પ્રમાણપત્ર અને પેટન્ટ સંબંધિત ખર્ચમાં પણ સહાય મળશે. ERP સિસ્ટમ સ્થાપિત કરવા માટે મૂડી ખર્ચના 65 ટકા સુધી, મહત્તમ ₹1 લાખની સહાય આપવામાં આવશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર માટે પ્રમાણપત્ર ફી તેમજ જરૂરી ટેસ્ટિંગ સાધનો અને મશીનરીના ખર્ચના 50 ટકા સુધી, મહત્તમ ₹10 લાખની સહાય મળશે. ZED એટલે કે Zero Defect, Zero Effect પ્રમાણપત્ર માટે કેન્દ્ર સરકારની સહાય બાદ બાકી રહેતા ચાર્જના 50 ટકા સુધી, મહત્તમ ₹50,000ની સહાય મળશે. પેટન્ટ રજિસ્ટ્રેશન માટે ખર્ચના 75 ટકા સુધી, મહત્તમ ₹25 લાખ પ્રતિ અરજદાર અથવા ઉદ્યોગ સહાય આપવામાં આવશે. પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સમાં પેટન્ટ, ડિઝાઇન, કૉપિરાઇટ, ટ્રેડમાર્ક અને GI સહિતના બૌદ્ધિક સંપદા અધિકારો માટે ખર્ચના 75 ટકા સુધી, મહત્તમ ₹1 કરોડની સહાયની જોગવાઈ છે.


ઊર્જા અને પાણીની બચત કરનારા ઉદ્યોગોને પ્રોત્સાહન

ઉદ્યોગોમાં વીજળી અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ વધારવા માટે પણ નવી યોજનામાં જોગવાઈ કરવામાં આવી છે. ઊર્જા અને પાણીના ઓડિટ ખર્ચના 75 ટકા સુધી, દરેક માટે મહત્તમ ₹50,000ની સહાય મળશે. ઓડિટર દ્વારા ભલામણ કરાયેલા સાધનો ખરીદવા માટે ખર્ચના 25 ટકા સુધી, મહત્તમ ₹20 લાખની એક વખતની સહાય આપવામાં આવશે. જોકે, આ સહાય માટે અગાઉના 12 મહિનાના સરેરાશ માસિક વપરાશની સરખામણીએ ઓછામાં ઓછા 10 ટકા ઊર્જા અથવા પાણીની બચત થવી જરૂરી છે.

AI IMAGE


SME Exchange અને બેંક લોન માટે પણ સહાય

નવી યોજનામાં MSME ઉદ્યોગોને મૂડીબજાર મારફતે ભંડોળ ઊભું કરવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. SEBIની માર્ગદર્શિકા મુજબ SME Exchange મારફતે ઇક્વિટી મૂડી ઊભી કરવા માટે થતા ખર્ચના 25 ટકા સુધી, મહત્તમ ₹5 લાખની એક વખતની સહાય મળશે. આ ઉપરાંત CGTMSE હેઠળ ગેરંટી વગરની ટર્મ લોન મેળવવા માટે ચૂકવવામાં આવતી વાર્ષિક સર્વિસ ફીની 100 ટકા સુધી પાંચ વર્ષ માટે ભરપાઈ કરવામાં આવશે. આ જોગવાઈઓથી ઉદ્યોગોને બેંક લોન અને મૂડીબજાર સંબંધિત ખર્ચમાં રાહત મળી શકે છે.


ભાડાના ઔદ્યોગિક શેડ અને વીજ જોડાણ માટે રાહત

મેન્યુફેક્ચરિંગ માટે ભાડે અથવા લીઝ પર ઔદ્યોગિક શેડ લેનારા MSMEને પણ સહાય મળશે. સામાન્ય MSMEને ચૂકવેલા ભાડાના 65 ટકા સુધી અને 100 ટકા મહિલા માલિકી ધરાવતા ઉદ્યોગોને 75 ટકા સુધી સહાય મળશે. આ સહાયની મહત્તમ મર્યાદા વાર્ષિક ₹3 લાખ રહેશે અને તેનો લાભ પાંચ વર્ષ સુધી મળી શકશે. GIDC અથવા મંજૂર ઔદ્યોગિક પાર્કની બહાર આવેલા પાત્ર MSMEને નવા વીજ જોડાણ, વધારાના લોડ અથવા કનેક્શન અને સર્વિસ લાઇનમાં ફેરફાર માટે ચૂકવેલા ડિસ્ટ્રિબ્યુશન લાઇસન્સ ચાર્જના 35 ટકા સુધી, મહત્તમ ₹5 લાખની સહાય મળશે.


ડ્રોન, રોબોટ અને રમકડાંના ઉદ્યોગોને વિશેષ લાભ

ગુજરાત સરકારે કેટલાક ઉત્પાદન ક્ષેત્રોને પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સ તરીકે ઓળખ્યા છે. આ ક્ષેત્રોમાં રમતગમતનાં સાધનો, રમકડાં, ફૂટવેર, રોબોટ અને ડ્રોન જેવા મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગોને જમીનની ખરીદી અથવા લીઝ પર ચૂકવેલી સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જની 100 ટકા ભરપાઈ મળશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર માટે 100 ટકા ફી ભરપાઈ, મહત્તમ ₹5 કરોડ સુધીની સહાયની જોગવાઈ છે. કર્મચારીઓની તાલીમ માટે પ્રથમ 12 મહિના સુધી પ્રતિ કર્મચારી માસિક ₹8,000 સુધીની સહાય મળશે. પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સમાં Creative Design Studio સ્થાપવા માટે ખર્ચના 50 ટકા સુધી, મહત્તમ ₹5 કરોડની સહાય પણ આપવામાં આવશે.

AI IMAGE


85 ટકા સ્થાનિક કર્મચારીઓને રોજગાર આપવો જરૂરી

રાજ્ય સરકારે નવી યોજનામાં સ્થાનિક રોજગારીને પ્રાથમિકતા આપી છે. યોજનાનો લાભ મેળવનારા ઉદ્યોગોમાં કુલ કર્મચારીઓમાંથી ઓછામાં ઓછા 85 ટકા કર્મચારીઓ ગુજરાતમાં વસવાટ કરતા હોવા જરૂરી રહેશે. આ ઉપરાંત મેનેજરીયલ અને સુપરવાઇઝરી કક્ષાએ ઓછામાં ઓછા 60 ટકા કર્મચારીઓ ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. આ શરતનો હેતુ ઔદ્યોગિક વિકાસની સાથે સ્થાનિક લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો છે.


1 જાન્યુઆરી, 2026થી થયેલું રોકાણ પણ પાત્ર ગણાશે

નવી યોજનામાં પાત્ર રોકાણ માટે પણ મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. 1 જાન્યુઆરી, 2026થી પાત્ર સંપત્તિની ખરીદી અને ચુકવણી કરવામાં આવી હોય તો નિર્ધારિત શરતોને આધીન તે રોકાણને યોજનાના લાભ માટે ગણતરીમાં લેવામાં આવશે. ₹50 કરોડ સુધીના પ્લાન્ટ અને મશીનરી રોકાણ માટે DoCPથી 12 મહિનાનો પાત્ર રોકાણ સમયગાળો રહેશે. જ્યારે ₹50 કરોડથી વધુ અને ₹125 કરોડ સુધીના પ્લાન્ટ અને મશીનરી રોકાણ માટે આ સમયગાળો 18 મહિનાનો રહેશે. આમ, ગુજરાત સરકારની નવી MSME સહાય યોજના ઉદ્યોગોને નાણાકીય રાહત આપવાની સાથે ટેક્નોલોજી અપનાવવા, ગુણવત્તા વધારવા, રોજગાર સર્જવા અને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનવા માટે પ્રોત્સાહન આપશે. જોકે, દરેક સહાયનો લાભ યોજનાની નિર્ધારિત પાત્રતા અને શરતો મુજબ જ મળશે.


આ પણ વાંચો: Toyota Fortunerનું નવું Leader Edition લોન્ચ, ફીચર્સ જોઈને કહેશો વાહ...

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

સ્મિત મચ્છર

ગરબામાં પાયલટ સ્મિત મચ્છરના ટેટૂનો ક્રેઝ, યુવાનોમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ!

Ambaji Mohanthal Gets GI Tag

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગનો દરજ્જો, પ્રથમ નોરતે મળશે સર્ટિફિકેટ

OMSPACE

ગુજરાતની સ્પેસ કંપની OMSPACEની મોટી સિદ્ધિ, Infinity One રોકેટના બે મહત્વના ભાગ તૈયાર

d

ગેરકાયદેસર દવાના વેચાણ સામે FDCAની કાર્યવાહી : ₹42.6 લાખથી વધુનો જથ્થો જપ્ત

Gujarat Tourism

ગુજરાતનો ડંકો: 23.4 લાખ વિદેશી પ્રવાસી, ટુરિઝમ આવકમાં દેશમાં 5મા ક્રમે પહોંચ્યું

parashakti navratri

ખેલૈયાઓ થઈ જાવ તૈયાર, Kubera Nowને સંગ નવરાત્રીનો રંગ, અમદાવાદમાં ગૂંજશે ‘પરાશક્તિ’ના ગરબા

court

હાઈકોર્ટના ચુકાદા પર હવે વિલંબ નહીં: ગુજરાત સરકારે નક્કી કરી ટાઈમ-બાઉન્ડ SOP

Shekhar Patel

રેપો રેટમાં વધારાનો નિર્ણય ફુગાવાની સંભાવનાને ધ્યાનમાં રાખી લેવાયોઃ શેખર પટેલ